કચ્છ જા મેળા ભુજનો સાતમ - આઠમનો મેળો
કિલ્લેબંધ શહેર ભુજમાં દરવર્ષે જન્માષ્ટમીના બે દિવસ માટે યોજાતા પ્રણાલીગત મેળાનું ખુબ મહત્વ છે. રાજયના એક સૌથી બેનમુન નૈર્સિગક લેન્ડસ કેપ વચ્ચે યોજાતો આ મેળો માણવા છેક વિદેશોમાં સ્થાયી થયેલા કચ્છીઓ પણ ભુજ આવી પહોંચે છે. શહેરના મહાદેવ નાકા બહાર, હમીરસર તળાવની પશ્ચાદભૂમા યોજાતો આ મેળો મહાદેવ નાકાથી શરૃ થઈ છેક ખેંગારબાગ સુધીના વિસ્તાર સુધી ભરાય છે. વચ્ચે આલપનાહગઢ, જુનું બેન્ડસ્ટેન્ડ ,રાજેન્દ્રબાગ, વિજયરાજજી લાયબ્રેરી અને છેક શરદબાગ સુધીનો વિસ્તાર મેળા દરમ્યાન માનવ મહેરામણથી ઉમટે છે. તેમાંય જો ભુજનું હમીરસર તળાવ છલકાય તો મેળાની રોનકમાં ચાર ચાંદ લાગે છે. આ મેળો ભુજ ખાતેના હમીરસર તળાવના કાંઠે રાજાશાહીના વખતથી યોજાતો રહ્યો છે. અને આજે પણ આ મેળાની લોકપ્રિયતા અપ્રિતમ બની રહેવા પામી છે.
આજે ભલે રાજાશાહી યુગ રહ્યો નથી પરંતુ આ મેળાની મજા માણવા કચ્છના ગામડે ગામડેથી લોકો મેળામાં મહાલ્વા આવી પહોંચે છે. આજથી ૭૪ વર્ષ પહેલાનો ભુજનો આ સાતમ-આઠમનો મેળો કેવો હતો ? તે જાણવું રસપ્રદ બની રહેશે. રાજાશાહીના સમયે ભુજના દરબારગઢ સ્થિત આયના મહેલથી કચ્છના મહારાવ ખાસ અસવારીમાં નીકળતા જે અસવારી દરબારગઢ ચોક, પાળેશ્વર ચોક અને મહાદેવ ગેટ થઇને હમીરસરના કાંઠે પહોંચતી. સત્યનારાયણ ભગવાનના મંદિર પાસે આજે જયાં રામધુન છે ત્યાં એ સમયે એક બેન્ડસ્ટેન્ડ હતું જયાં મેળા દરમ્યાન યુરોપીયન શૈલીની બેન્ડપાર્ટી સંગીતના સુરો રેલાવતી.
ભુજના બુઝર્ગ સરોજભાઇ શુક્લએ રાજાશાહી વખતના પ્રસંગોને વાગોળતા જણાવ્યું હતું કે,શીતળા સાતમના દિવસે કચ્છનો રાજવી પરિવાર હમીરસર પાસે આવેલા શીતળા માતાજીના મંદિરે દર્શન કરવા શણગારેલા બળદગાડામાં જતા અને સાથે-સાથે કલ્યાણેશ્વર મહાદેવના મંદિરે પણ અવશ્ય દર્શન કરતા, આઠમના દિવસે જોગાનુજોગ કચ્છના મહારાવ વિજયરાજજીનો જન્મદિવસ હોવાથી મેળાની અનોખી ઉજવણી કરવામાં આવતી. આઠમના દિવસે બપોર બાદ આયના મહેલથી અંબાડી પર સવારી નીકળતી, આ અસવારીમાં બજાણીયા, સાત હાથી, ૧૨ કોતલ(શણગારેલા ઘોડા) અને મિલિટરી બ્રાશબેન્ડ વગાડતા ક્રિશ્ચયનો જોડાતા.આ બેન્ડપાર્ટીમાં બેગપાઈપરનો પણ ભરપુર ઉપયોગ થતો અને જાણે ભુજ થોડા સમય માટે લંડનની શેરીમાં પરિર્વિતત થઈ જતું. આ અસવારી શહેરના હમીરસર કાંઠે આવેલા આલપનાગઢ પાસે પહોંચતી ત્યારે ૧૯ તોપની સલામી આપવામાં આવતી. સાતમ-આઠમના દિવસે કચ્છની તમામ શાળાઓ અને સરકારી કચેરીઓમાં રજા રાખવામાં આવતી. આઠમના દિવસે કચ્છ રાજવી પરિવારની રાણીઓ વૈશ્નવ સંપ્રદાયના મંદિરોમાં દર્શન કરવા જતી હતી. તો રાજવી પરિવારના મહેલોમાં પણ શાસ્ત્રોક્તવિધિ પૂર્વક પુજનવિધિ કરવામાં આવતી. શહેરના હમીરસર તળાવના કાંઠે ભરાતો લોકમેળો સવારથી ભરાતો અને આ મેળામાં કમાંગર જાતિના લોકો લાકડાના રમકડાં વહેંચતા. તો ફળફળાદિમાં ચીભડાં, કાળીગા, બદામ જેવા ફળો વહેંચાતા, તો ગોસ્વામી જાતિના લોકો ટોપરાપાક, ફરાળી ચેવડો, ખારીશીંગ જેવી ખાણીપીણીની વસ્તુઓ વહેંચતા, આજે પણ કેસરી ટોપીવાળા બાવાજીઓની ટોપરાપાક બનાવામાં બોલબાલા છે. તે વખતે લોકોના મનોરંજન માટે આધુનિક જમાનાના ચગડોળ ન હતા પણ ફજેત ફાળકા જેવા સાધનો હતા. આ મેળાની મજા માણવા લોકો બળદગાડાં અને ઊંટ ગાડી મારફતે હમીરસર કાંઠે આવતા. જો કે રાજાશાહીના જમાનામાં આ મેળો મહાદેવ નાકાથી શરૃ કરીને કલ્યાણેશ્વર મહાદેવના મંદિર સુધી ભરાતો. આમ હવે આ મેળાનો છેક ખેંગારબાગ સુધી વિસ્તાર થવા પામ્યો છે
કચ્છ જા મેળા - ભાન્જડાદાદાનો મેળો
ધોળાવીરાથી આગળ રણ વચાળે સરહદી ચોકી પાસે આવેલા ભાન્જડા દાદાના સ્થાનકે પરંપરાગત રીતે ભાદરવા સુદ ચૌદસનો મેળો ભરાય છે.
રણ માં લગભગ ૪-૫ કી.મી. અંદર આવેલા ભાન્જડા ડુંગર પર પહોંચવું મુશ્કેલ છે. હમેશા ભરાઈ રહેતા પાણીને કારણે રણ વચાળે આવેલા પહાડ પર માત્ર ચૈત્ર અને વૈશાખમાં જ જવું શક્ય બને છે. જો ઓછો વરસાદ હોય અને રણ સુકાઈ ગયું હોય તોજ ફોજની ગાડી કે બાઈક વડે જ જવું શક્ય બને છે. તે સિવાય પગપાળાજ જઈ શકાય છે. આથી ચોમાસામાં જવાની વાતજ ક્યાંથી હોય??? આ કારણસર રણના કિનારે ભાન્જડાદાદાનું સ્મારક બનાવેલું છે. આથી ભાદરવા સુદ ચૌદસના દિવસે ખડીરવાસીઓ અહી માથું ટેકવવા આવે છે.
ડુંગરની ચોટી પર ભાન્જડાદાદાનું મંદિર કે દેરી નિર્માણ પામ્યા નથી. ખુલ્લામાં થોડા પથ્થરો ભેગા કરીને ધજા અને ત્રિશુલ ખોડાયેલા છે. ભાવિકો અહી સુધી પહોચે છે બાકી તો સરહદ ના સંત્રીઓ જ અહી ચોકી ભરે છે. કદાચ ભાન્જડાદાદાના નામ પર થી જ આ ટાપુ નું નામ ભાન્જાડો પડ્યો હશે. અહી હમેશ પાણી ભરાયેલું રહેતા ગ્રામજનો તથા સ્થાનિકો દાદાના સ્થાનક ને બદલે રણ ની કાંધી પરના સ્થાનકે ભાવિકો પૂરી શ્રદ્ધાથી મેળો યોજે છે.
આ મેળાની ખાસિયત વિષે વાત કરીએ તો અહીની સ્થાનિક પ્રજા મેળામાં ખુબ રસપૂર્વક ભાગ લઇને મેળાને ચેતનવંતુ બનાવે છે. અહીના મેઘવાળ, આહીર, રબારી, દરબાર વિગેરે જ્ઞાતિના લોકો પોતાના પરંપરાગત વસ્ત્રો તથા આભૂષણો પહેરીને મેળામાં મહાલવા આવે છે. આ સાથે સૈન્યના જવાનો પણ ખુબ રસપૂર્વક ભાગ લઇને સ્થાનિકો સાથે આ મેળાના આયોજનમાં મદદરૂપ તો થાય જ છે પણ એ સાથે એટલા જ ઉત્સાહથી મેળામાં પણ ભાગ લે છે. આ પરંપરાગત ઢબે યોજાતો મેળો હોઈ વાગડ ની એક ઓળખ બની રહે છે.]
તિથી : ભાદરવા સુદ ૧૪ અને પૂનમ.
સ્થળ : કોટડા ચકાર પાસે આવેલ ભેડિયા ડુંગર.
ભાદરવા સુદ ૧૪ અને પૂનમ ના હોથી જાડેજા તથા કાછી રબારી સમાજના લોકો તેમના કુળદેવી મોમાય માતાજીના પંથકના એક માત્ર મેળાની મજા માણવા પોતાના પશુધનને લઇને કોટડા ચકાર પાસેના આવેલા ભેડિયા ડુંગરે આવી પહોંચે છે.
ભેડિયા ડુંગરે બિરાજમાન મોમાંય્માંતાને સ્થાનિકો "ભેડ માતા" તરીકે ઓળખે છે. આ ભેડ માતાના મેળામાં આસપાસના ગામ જેવાકે નાની - મોટી તુંબડી, નાના - મોટા બાંદરા, ગજોડ, નાના - મોટા રેહા, જાંબુડી, લફરા, વડવા, સણોસરા જેવા અનેક ગામના હોથી જાડેજા અને કાછી રબારી સમાજના લોકો હજારોની સંખ્યામાં ઉમટી પડે છે. આ ઉપરાંત મેળાની મજા માણવા આ વિસ્તારમાં રોજી-રોતી મેળવવા આવેલા પંચમહાલ, વડોદરા વગેરે વિસ્તારો માંથી આવેલ આદિવાસીઓ પણ પોતાના ભાતીગળ વસ્ત્રોમાં ઉમટેલા જોવા મળે છે. આ ઉપરાંત ભાતીગળ પરંપરાને કચકડે કંડારવા અનેક ફોટોગ્રાફરોની પણ ધ્યાનાકર્ષક સંખ્યા જોવા મળે છે.
ખાસ વિશેષતા :
આ મેળામાં આવતા માલધારીઓ પોતાની સાથે પોતાના પશુઓ જેમાં મુખ્યત્વે ઊંટને પણ સાથે લાવે છે. આ કારણસર મેળામાં ઊંટની મોટી વસ્તી પણ જોઈ શકાય છે. આ મેળો પ્રકૃતિ સંગાથે રહેતા પશુપાલકો સામાન્યતઃ વિચારતું જીવન ગળતા હોય છે. આ મેળા વખતે પોતાના દરેક પશુઓને સાથે લાવી પોતાની પરંપરા અનુસાર મેળા ને માણવા આવી જ પહોચતા હોય છે.
કચ્છ જા મેળા - સંગવારી માતાજીનો મેળો
તિથી : ભાદરવા સુદ ૧૪.
સ્થળ : રતનપર ગામ, રાપર તાલુકા, ખડીર વિસ્તાર.
કચ્છના છેવાડા પર આવેલ ખડીર વિસ્તારમાં રતનપર ગામે સંગવારી માતાજીનો મેળો ભરાય છે. આ મેળામાં આસપાસના વિસ્તારના રતનપર, ધોળાવીરા, જનાણ, બાંભણકા, ગણેશપર, લોદ્રાણી, શીરાવાઢ, બલાસર, જટાવાળા, બેલા, મૌવાણા, આણંદપર, સહીતના ગામના લોકો આ મેળો જોવા આવે છે. આ મેળામાં મુખ્યત્વે આહિર, રબારી, ગઢવી, કોડી, દરબાર વિગેરે જ્ઞાતિના લોકોનો સમુદાય જોવા મળે છે.
No comments:
Post a Comment